82 વર્ષની ઉંમરે શ્રી મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન બન્યા.
બીજું તો ઠીક, સામાન્ય માણસને અહોભાવ જાગે ક્ગ્ગે. 82 વર્ષે વડાપ્રધાન! 82 વર્ષનો માનવી આટલો મોટો બોજો ઉપાડવા માટે શારીરિક અને માનસિક દ્રષ્ટિએ કેટલો બધો સુસજ્જ હોવો જોઇએ? મોરારજી દેસાઇ ટટાર ચાલે અને ટટાર બેસે છે. એમની અદામાં કે અવાજમાં આઠ દાયકાની ઉંમરનો ભાર દેખાતો નથી.
માણસો મોટી ઉંમરે પણ સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા થઇને પથારીમાં ના પડે અને નિરોગી જીવન જીવે તેનું કાંઇ રહસ્ય છે ખરું? એનું રહસ્ય એટલું જ છે કે ઉંમરની સાથે જીવનશક્તિનાં પૂર ઓસરવા ના દેવાં હોય તો કોઇ પણ સંજોગોમાં મનથી ટટાર રહો.
આપણે ત્યાં માણસો મનથી હારી જાય છે, વહેલાં હારી જાય છે અને મનથી વહેલાં નિવૃત થઇ જાય છે. ઉંમરનો કાંટો 55-58 આસપાસ પહોંચે, ત્યાં માણસો થાકીને બેસી જવાની તૈયારી કરે છે.
જે દેશમાં લાખો જુવાનો કામ શોધતા હોય ત્યાં માણસોએ અમુક ઉંમરે નોકરી છોડવી પડે, તેવું તો ગોઠવવું જ પડે. નોકરી, બેશક, છોડી દો, પણ જીવવાનું બંધ ના કરો. તમારી ઉંમર ગમે તેટલી હોય, તમે તમારી જાતને ખોડા ઢોર જેવી ના ગણો. માણસ છો, તો છેલ્લી ઘડી સુધી લડો – લડતાં લડતાં જ મરો, મરતાં મરતાં પણ લડો. એટલું નક્કી કરી નાખો કે, મરીશ તો લડતાં લડતાં જ મરીશ: યમરાજ મળવા આવશે તો તેને ઓફિસ કે દીવાનખાનામાં જ મળીશ – શયનખંડમાં નહીં જ મળું.
જેમણે જિંદગીમાં કાંઇક કર્યુ છે, તેવા માણસોનાં જીવન તપાસશો તો તમને દેખાશે કે, આ લોકો કામ કરતા રહ્યા છે. કપરો સંગ્રામ ખેલતા રહ્યા છે, વારે વારે પોતાની ઉંમરનાં ટીપણાં ઉખાળતા બેસી રહ્યા નથી.
પશ્ચિમ જર્મનીના એક વારના ચાંસેલર એડોનેરનું જીવન જ 60 વર્ષ પછી શરૂ થયું હતું. ચર્ચિલનું સાચું રાજકીય જીવન પણ 60 વર્ષ પછી શરુ થયું. ચર્ચિલના એક ચરિત્રકારે નોંધ્યું છે કે, ચર્ચિલનું મૃત્યુ 60 વર્ષે થયું હોત તો બ્રિટનના ઇતિહાસમાં તેનું નામ કોઇ નાના પ્રકરણની ફૂટનોટમાં જ દટાઇ ગયું હોત. ચંગેઝખાનની જિંદગી ખરેખર 56મા વર્ષે શરૂ થઇ હતી. બ્રિટનના જાજરમાન વડાપ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીની સંધ્યાટાણે સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર 55 વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદભાગી બન્યા. અંગ્રેજીમાં લાખો લોકો આજે પણ જે કથા રસપૂર્વક વાંચે છે, તેનાં હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન ક્વીઝોટ’ નો લેખ સર્વાન્ટીસ દારુણ ગરીબીમાં 58 વર્ષની ઉંમરે એ વાર્તા લખવા બેઠો હતો. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન 55 વર્ષના થયા ત્યાં સુધી તેમને જિંદગીમાં કરુણ પરાજયો જ મળ્યા હતા.
જિંદગીમાં કોઇને વહેલી સફળતા કે ખ્યાતિ મળે, કોઇને ખૂબ મોડી મળે, અને ઘણાંને તો કદાચ મળે પણ નહીં. પરિણામો આપણા હાથમાં નથી, કર્મ આપણા હાથમાં છે. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું કાર્યક્ષેત્ર નક્કી કરી નાંખવું જોઇએ અને પછી તેમાં ગુંથાઇ જવું જોઇએ.
આપણે શાંત અને સુરક્ષિત જિંદગીના ખ્યાલમાં વધુ પડતા ઠંડા અને કાયર બની ગયા છીએ.
તમારી ઉંમર ગમે તે હો – હવે તમે જીવવાનું શરૂ કરો. હજું મોડું થયું નથી. કોઇ ઉંમરે, ક્યારેય મોડું થતું નથી. કોઇક મનપસંદ કામ લઇને તેનો યજ્ઞ આરંભી દો. જિંદગી એક લાંબા પંથ જેવી છે. મોત ક્યારે અને કઇ ઝાડીમાંથી આપણી ઉપર ત્રાટકવાનું છે તે આપણને ખબર નથી. આપણે તેની બીકથી રસ્તામાં વારેવારે ઊભા રહેવાની કે બેસી જવાની જરુર નથી. ચાલતા જ રહો, કામમાં એટલા બધા ડૂબી જાવ કે ખુદ યમરાજા તમને ‘ડિસ્ટર્બ’ કરતાં ખચકાટ અનુભવે.
[ગુજરાત સમાચાર દૈનિક: 1977]
Read Full Post »