Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

પશ્વાતદર્શન થશે ત્યારે –

એકવીસમી સદીને અંતે, 2100ના વર્ષમાં, વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પશ્વાતદર્શન થશે ત્યારે —

કવિતામાં બલવંતરાય, ન્હાનાલાલ, સુન્દરમ, ઉમાશંકર, રાજેન્દ્ર, ભાલશંકર અને સિતાંશુની કૃતિઓ;

નાટકમાં જયંતિ દલાલ અને ઉમાશંકરની એકાંકી કૃતિઓ;

ટૂંકી વારતામાં રામનારાયણ અને પન્નાલાલની કૃતિઓ;

નવલક્થામાં મુનશી, પન્નાલાલ અને ‘દર્શક’ની કૃતિઓ;

નિબંધમાં કાલેલકર, બોળાભાઇ, આનંદશંકર, ગાંધીજી, કિશોરલાલ અને સચ્ચિદાનંદની કૃતિઓ;

ચરિત્રસાહિત્યમાં ગાંધીજી, ઇન્દુલાલ અને નારાયણ દેસાઇની કૃતિઓ,;

વિવેચનમાં આનંદશંકર, બલવંતરાય, રામનારાયણ અને ઉમાશંકરની કૃતિઓ;

તથા સાહિત્યિક પત્રકારત્વમાં ‘જ્ઞાનસુધા’ , ‘વસંત’, ‘પ્રસ્થાન’ , ‘કૌમુદી’ , ‘માનસી’ , ‘સંસ્કૃતિ’  અને ‘ક્ષિતિજ’ – આટલી કૃતિઓ તો દૂરદૂરથી પણ ઉન્નત શૃંગોની જેમ દ્ર્ષ્ટિગોચર થશે. આ કૃતિઓને નતમસ્તકે વંદન.

  • નિરંજન ભગત  [‘સાહિત્યચર્યા’ પુસ્તક : 2004]
Advertisements

ભારતીય સિને જગતમાં બારીકાઇથી સંશોધન કરનાર સુરતના હરીશ રઘુવંશીને ફિલ્મ ભારતીય ફિલ્મ ઇતિહાસકાર કહી શકાય. “મુકેશ ગીત કોષ”, “ ગુજરાતી ફિલ્મ ગીતકોષ” “ઇન્હેં ન ભૂલના” તેમજ “જબ દિલ હી ટૂટ ગયા” જેવા પુસ્તકો પ્રદાન કરનાર આ ગુજરાતી પાસેથી પ્રેરણા લેવા જેવી છે. “શબ્દ કોષ” વિશે આપણને ખબર જ છે કે કેટલી સચોટતા અને કાળજી લઇને તેને પ્રકાશિત કરવામાં આવે છે. આ રીતેના “ગીત કોષ” બહાર પાડનાર ગીતપ્રેમી, સંગીતપ્રેમી એટલે હરીશ રઘુવંશી.

1964-1965માં એક સંગીતપ્રેમી તરીકે રેડિયો સાંભળનાર આ મહાશયને જુના ગીતોનો જબરો શોખ જાગ્યો. શરુઆતમાં જુના ગીતો સાંભળવા મળે કે તરત જ તેનું લખાણ હરીશભાઇ તેમની ડાયરીમાં ટપકાવી લેતા. આ બધામા મુકેશજી ના ગીતોનુ સ્થાન મહત્વ હતું. શોખ વધતો ગયો. સન 1979માંજ તેઓની મુલાકાત કાનપુરના હરમંદિરસિંહ સાથે થઇ. બન્નેનો શોખ મળતો હતો તેમજ સંગીતના ક્ષેત્રમાં જાણકાર એવા હરમંદિરસિંહને મળીને હરીશભાઇના ઉત્સાહમાં વધારો થયો અને કઇક નવુ કાર્ય પાર પાડવાનું તેમને નક્કી કર્યુ. મુકેશજી અને તેમના ગીતો પ્રિય હોવાથી શરુઆત મુકેશના ગીતોથી જ કરવામાં આવી. મુકેશના ગીતોનો અણમોલ ખજાનો પુસ્તકના સ્વરૂપે બહાર પાડવાનું  તેઓએ વિચાર્યુ. આ સમયે કહેવાતું કે મુકેશે 1000 ગીતો ગાયેલાં.. આ વિશે માહિતી મેળવવા કોશિશ ચાલુ રહી, પુસ્તકો ખરીદ્યા, વાંચ્યા..પરંતુ 400 થી 500 ગીતો સિવાય કાંઇ ન મળ્યુ. 1200 થી 1500 ગીતોની પ્રાપ્ત થશે તેવી ધારણા રાખીને આ પુસ્તક બનાવીશ તેવી ધારણા ખોટી સાબિત થઇ. તેમ છતાં  હાર માન્યા વગર હરીશભાઇએ પ્રયાસ ચાલુ રાખ્યો. કોઇ ગીતની એકાદ-બે કડી યાદ હોય પરંતુ આખું ગીત ઉપલ્બધ ન હોય તેવાં ગીતોને મેળવવા હરીશભાઇએ રેડિયોનો સંપર્ક સાધ્યો. તેઓની ફરમાઇશના આ પ્રકારના ગીતો રેડિયો પર વગાડવામાં આવતા. કેટલાક ગીતો માટે ખુદ થીયેટરમાં જઇને રેકોર્ડીંગ કરેલું છે. “મહેંદી લગે મેરે હાથ કી”નું ગીત “આપને યુ હી દિલ્લગી કી થી” રેડિયો પર મળી શકે તેમ ન હતુ, તેથી થીયેટરમાં રેકોર્ડીંગ કરવું પડયું. પુરી લગન સાથે જો કોઇ કામ પૂરુ પાડવું હોય તો કોણ રોકી શકે છે ??? આ રીતે મિત્ર, રેડિયો, થીયેટર તેમના સાથી તેમજ સહકાર પુરવાર થયાં.

5 વર્ષની સખત મહેનત બાદ સન 1985માં ભારતમાં સૌ પ્રથમ વાર “મુકેશ ગીત કોષ” 992 ગીત સાથે પ્રકાશિત થયું. આ સમયે આખા ભારતમાં આવો કોઇ ગીત કોષ ઉપલ્બધ ન હતો જેમાં આ રીતે પુરેપુરાં ગીતો મળી રહે. કે જેમાં ગીતકાર, સંગીતકાર કે વર્ષની માહિતી હોય. આ પુસ્તકની વધારે માહિતી આપું એ પહેલા પુસ્તકની પ્રાથમિક જાણકારી ….

Mukesh Geet Kosh (March 1985)MGK

Covering – Full text of 992 Songs with respective credits

Published – Hindi

Pages – 672 pgs along with some rare photos

Price – Rs 650/-

5 વર્ષની સખત મહેનત બાદ “મુકેશ ગીત કોષ” લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ગીત-સંગીતકારની માહિતી સિવાય આ કોષમાં કેટલીઅ સૂચીઓ સહિત શ્રી રામચરિત્રમાનસ પણ આપવામાં આવ્યુ , દરેક ફિલ્મી તેમજ અફિલ્મી ગીતોનો તેમજ જુદી જુદી ભાષાઓના દરેક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો. કયા ફિલ્મી કલાકાર માટે મુકેશએ ગીત આપ્યુ છે તે સહિતની માહિતીનો આ ગીતકોષમાં સમાવેશ કરવામાં આવ્યો .

આ જ રીતેની મહેનત આજની તારીખમાં પણ ચાલું છે. કોઇને થશે આટલો મોટો ગીતકોષ બહાર પાડયા પછી પણ આ રીતેની મહેનત ?? જવાબ છે “હા”. 1979-1985ના સમયગાળા દરમ્યાન પ્રાપ્ત ન થઇ શક્યા હોય તેવાં ગીતો પર હરીશભાઇ કામ કરી રહ્યા છે. દરેક ગીત પ્રાપ્ત નહી થઇ શકવાના કારણ હતા.. એ સમયે ભારતમાં એવું કોઇ પુસ્તક ન હતું જેમાંથી એટલિસ્ટ ગીતોની મહિતી મળી શકે. અમુક ફિલ્મો એવી હોય છે જે બની છે, પરંતુ તેના માટે ગવાયેલ ગીતો આજે પણ માત્ર રેકોર્ડ થઇને રહી ગયા હોય, પાછળથી ખબર પડે કે આ તો મુકેશનું ગીત છે કે કોઇ એક ચોક્કસ ગીતકાર-સંગીતકારનું છે. આ ઉપરાંત એ જમાનામાં એટલી બધી સુવિધા ઉપલ્બધ ન હતી જેટલી આજના જમાનામાં છે. રેડિયોએ ઉત્તમ માધ્યમ હતુ…પ્રસારણ માટે. આજે ગમે તે ગીતનું નામ નેટના સર્ચમાં ટાઇપ કરો કે તે વિશેની માહિતી તરત મળી રહે છે. આવાં જ કેટલાક કારણોસર અમુક ગીતોનો સમાવેશ “મુકેશ ગીત કોષ” કરવામાં નોહ્તો આવ્યો, જે ગીતો પ્રાપ્ત નથી થઇ શક્યા એવાં જ ગીતોનો એક અદભૂત “ગીત કોષ” નજીકના ભવિષ્યમાં જોવા મળશે. GUJARATI FILMI GEET KOSH

આ સિવાય રસપ્રદ વાત એ છે કે “મુકેશ ગીત કોષ”ની જેમ જ હરીશ રઘુવંશીએ “ગુજરાતી ફિલ્મ ગીત કોષ” જેવું પુસ્તક પણ પ્રદાન કર્યુ છે. આજે આપણને અચાનક 20-25 ગુજરાતી ફિલ્મના નામ પુછવામાં આવે તો વિચારવું પડે..(જવાબ આપી શકાય પણ “અ” જેવા ઉદગાર આવે જ) આવામાં આ રીતેનો “ગુજરાતી ફિલ્મ ગીત કોષ” પ્રકાશિત કરવું એ ધન્યવાદને પાત્ર છે. આ બે પુસ્તકો સિવાય “ઇન્હેં ન ભૂલના” તેમજ મિત્ર હરમંદિર સાથે મળીને “જબ દિલ હી ટૂટ ગયા” પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.

ગુજરાતી ફિલ્મ કોષ વિશેના સંશોધન વિશે પણ વાત કરવી છે પણ એ ફરી ક્યારેક… !

ઊલટાનો આનંદ

( પલંગ પરથી જમીન પર પગ મુકતા પહેલા વાંચવાની ટેવ હવે પડી ગઇ છે. ગુજરાતી છાપુ તો અહીંયા નથી મળતું, તેથી રાત્રે જે વાંચ્યુ એ જ પુસ્તક સાથે રાખીને સુઇ જવાનું અને સવારે ઊઠીને પહેલા એમાંથી કઇક વાંચીને જ દિનચર્યાની શરુઆત થાય. આજે એવું કઇક વાંચવા મળ્યું જે મારા અત્યારના સમયને 110% મેચ થાય છે… વાંચીને હસવું આવ્યું અને અહેસાસ પણ થયો કે “લાઇફ ઇઝ લાઇક ધેટ” )

હવે જે વાંચ્યુ તેની વાત …

જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજયમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્રાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજયમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત  અરજી કરી.

પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુ:ખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા.

એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં બોલ્યો: “એમાં દુ:ખી થવા જેવું શું છે ? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજયમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.”

  • મુકુલ કલાર્થી

દીકરી

શૈશવમાં સપનામાં જોયેલી પરી,

father-daughter સદેહે અવતરી…

થઇ દીકરી.

દીકરી…

જુઇની નાજુક કળી,

પ્રભુજીને

ચડાવેલાં ફૂલોની અવેજીમાં મળી.

દીકરી…

દાદાની આંખો પર

કૂણા કૂણા હાથ દાબે,

જાણે પોપચાં પર પવન મૂકયો

ફૂલોની છાબે,

શીતળ, સુગંધિત,

તાજગી ભરી લ્હેરખી

મીંચાયેલી આંખોથી

પણ ઓળખી.

દીકરી…

બારમાસી વાદળી,

ઝરમરતી ઝરમરતી.

રાખે સઘળુંય લીલુંછમ

…બારેય માસ.

દીકરી…

પતંગિયું

ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે.

શરણાઇ કોણ વગાડે…

એ તો ચૂપચાપ ઊડી જાય…

ને પાછળ રહી ગયેલા રંગો ઝૂરે.

દીકરી…

ચાંદરડું.

દિવસ આખો ઘરમાં તેજ પાથરે,

પકડયું પકડાય ના,

ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે…

દાદર ચડે ઊતરે…

સૂરજ સાથે ચાલ્યું જાય. આખરે

વિદાય લીધેલી માની જગ્યા

દીકરીએ

ક્યારે લઇ લીધી.

તે ખબરેય ના પડી.

  • હર્ષદ ચંદારાણા

(અરધી સદીની વાંચન યાત્રા ભાગ-4)

જંપ્યા વિના

માનવે તો પુરુષાર્થમાં સતત મચ્યા રહેવાનું હોય છે. કસો કમર, ચલાવો મજલ. મુકામની દિશામાં બે ડગ તો ભરો.

જે પ્રયત્નશીલ છે, તે અથડાતો-પછડાતો પણ છેવટે પોતાના અસલ મુકામે પહોંચે છે. વચ્ચે કેવી ભૂલો થૈ, પતનો થયાં, એ મોટો સવાલ નથી; માણસ પાછો ઊભો થઇ જાય અને ફરી મજલ કાપવા માંડે, એનું મહત્વ છે. સતત પ્રયત્ન કરતો રહે તો માણસ અંતે જીવનસાફલ્ય પામે જ છે.

“ઉતાવળ વિના , પરંતુ ક્ષણ એક જંપ્યા વિના.”

* ઉમાશંકર જોશી (અ.સ.વા – 2)

નેટની દુનિયામા વિહાર કરતા ગઇકાલે રાત્રે ફેસબુકમાં મિત્ર દિપાલી સોમૈયાની પ્રોફાઇલ વિઝિટ કરતાં જાણવા મળ્યુ કે “સા-રે-ગ-મ-પ” માં ત્રણ ગુજરાતી ગાયકો સેમિફાઇન સુધી પહોંચ્યા છે. આનંદ થયો. સાથે સાથે આ જ વાત પર દિલીપ મહેતા સાથે ધણી ચર્ચા થઇ. નૌશાદ તેમજ શંકર-જયકિશન કેન્દ્રમાં હતા. ચર્ચા રાષ્ટ્રવાદ તથા બીજા રીલેટેડ ટોપીક પર ચાલતી હતી પરંતુ ફરી ક્યારેક. કંઇક નવું જાણવા મળે પછી એ વિશે વધારે જાણકારી મેળવવા હું કાયમ તત્પર હોઉં છુ. બસ આ જ વિચારો સાથે બે-પાંચ આર્ટીકલ વાંચ્યા. Interesting ….

મુળ ગુજરાતી એવા જયકિશન વિશે આટલી બધી ખબર ન હતી. એક  સંગીતકાર તરીકેની ઓળખાણએ આજે “એક ગુજરાતી”તરીકેનું વિશિષ્ટ સ્થાન લીધુ.

આજથી 40 વર્ષ પહેલા, સન 1968માં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનુ fusion કરીને “RAGA JAZZ Style” નામનો concept પૂરો પાડનાર સૌ પ્રથમ વ્યક્તિ એટલે જયકિશન. અને એ પણ ભારતમા. આ પહેલા આવુ fusion ઉસ્તાદ રવિશંકરે કર્યુ હતુ પણ તે અમેરિકામાં. આ સમયે ફિલ્મ ઉધોગના સંગીતકારો કોઇ કારણોસર હડતાલ પર હતા. બધા જ સંગીતકારો ઘરે બેઠા હતા…આવામાં HMV ના શ્રી વિજયકિશોર દુબેના મનમાં એક પરિકલ્પનાનો જન્મ થયો અને તેમને આ વિશે શંકર-જયકિશનને વાત કરી. શંકરજીને આ વાત બહુ જામી નહી તેથી તેમને વિરોધ કર્યો. જયકિશને આ વાત યોગ્ય લાગી, તેઓએ શંકરજીના વિરોધ છતાં આ ચેલેંજ ઉપાડી લીધો અને કઇક ક્રીએટીવ કરવાનું નક્કી કર્યુ. આ વાતને સ્વીકારી લીધા બાદ તેમની આખી ટીમ કાર્યરત થઇ. લોકસત્તાના સહયોગથી પ્રાપ્ત થયેલ નીચેની તસ્વીરમા આ આખી ટીમનુ કામ જોઇ શકાય છે.

jaykishan

પ્રખ્યાત સિતારવાદક ઉસ્તાદ રઇઝ ખા , મશહૂર સેક્સોફોન વાદક મનોહર દાદા (કાળા ચશ્મા લગાયેલ મહાશય), ડ્રમ પર છે ડ્રમબોય ગોવિંદા અને જમણી બાજુ જયકિશનજી. આ સિવાય બીજા અન્ય વાદક કલાકારોએ પણ પોતાનુ હુનર બતાવ્યુ હતુ.

જેમા,

અનંત નૈયર તેમજ રમાકાંત (તબલા)

જોન પરેરા (Trumpet)

એ ડી ટ્રેવર્સ (Bass)

દિલીપ નાયક તેમજ કેસ્ટ્રો (Electric ગિટાર)

સુમંત (Flute)

શાસ્ત્રીય રાગમાં પ્રસિધ્ધ રાગ તોડી, રાગ ભૈરવ, રાગ માલકૌંસ, રાગ કલાવતી, રાગ તિલક કામોદ, રાગ મલ્હાર, રાગ વૈરાગી, રાગ જયજયવંતી, રાગ મિશ્ર પીલૂ, રાગ શિવ રંજની તેમજ રાગ ભૈરવીનો સમાવેશ થાય છે.

આવો આ બધામાંથી “રાગ તોડી” સાંભળીયે. શાસ્ત્રીય સંગીતને સમજતા સમજતા આખી જીન્દગી પસાર થઇ જાય એમ છે. નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે તેમ શાસ્ત્રીય સંગીત જાણનારાઓ પાસેથી જાણવા મળ્યુ. આ બારીકતાને તો આપણે ન ઓળખી શકીએ પણ સિતારમાંથી રેલાતા સુર જ્યારે હવામાં પ્રસરાય છે ત્યારે ખરેખર દિવ્યાનુભૂતિ થાય છે.

આપણને આવા “Indo-Jazz Recording” થી પરિચિત કરાવનાર શ્રી જયકિશનને સલામ !

જીવાતા સંબંધ

છેલ્લા કેટલાય દિવસથી સંબંધ નામના તુફાનથી લડી રહી છુ. કેવી રીતે, કઇ રીતે એ કહેવુ અને જાણવુ અહીયા ગૌણ છે. પણ આમાથી જે કાઇ શીખવા મળ્યુ અને જે ખરેખર શીખવા જેવુ છે તે જરુર કહીશ. માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ” રચાય જાય છે. માતાના ગર્ભથી લઇને મોર્ડન જમાનામાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ? અને છેલ્લે “ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્ન હંમેશા દરેકને સતાવતો હોય છે. બહારથી સુખદાયી દેખાતા સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. ઉલ્લાસપૂર્ણ relationshipદેખાતા સંબંધ વિષાદગ્રસ્ત હોય શકે….!! હોય છે.

માણસ જેટલી ઝડપથી, આતુરતાથી સંબંધ બાંધવા તૈયાર હોય છે એટલી જ આતુરતાથી સંબંધને નીભાવવા માટે કે વિકાસવવા માટે જાગ્રુત્ત હોતી નથી. આજે આ વાત વધારે સમજાય રહી છે. પ્રેમ, સમર્પણ , ત્યાગ અને મુખ્યત્વે સમજણ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી. અને ટકે તો જીવાતો નથી. જ્યા આ બધાનુ મહત્વ સમજી શકાતુ હોય, જ્યા આ બધી જ બાબતોની સાવધાની રાખવામા આવતી હોય ત્યાં જ સાચા સંબંધ જોવા મળે છે. આવા સંબંધને હુ “જીવાતા સંબંધ” કહુ છુ.

આજના આ પ્રોફેશન જમાનામાં આવા “જીવાતા સંબંધ” બહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે. અમુક પાસે હોય છે ત્યારે તેની દ્ર્ષ્ટિ તેને સાથ નથી અપતી હોતી. જ્યા સ્નેહ હોય, સમર્પણ હોય, સમજણ હોય ત્યા જ “જીવાતા સંબંધ”ને સ્થામ મળતુ હોય છે. આજકાલ સંબંધો “વન-વે” થઇ ગયા છે. સ્વાર્થ અને અપેક્ષાઓનુ પ્રમાણ વધ્યુ છે, સંબંધમાં આ બે બાબતો હોય જ છે, હોવી જોઇએ પણ જ્યારે તે જરુર કરતા વધારે વધી જાય ત્યારે સંબંધોના આ સમુદ્રમા ઓટ આવે છે.

premarital counselor-relationshipઆવુ કેમ થતું હોય છે ?? તે પ્રશ્ન મને હંમેશા મુંઝવ્યા કરે છે. જેના માટે ક્યારેય વિચાર્યુ પણ ન હોય તે માણસ અમુક પ્રકારના ખેલ ખેલીને જતો રહે છે. આવા સમયે મુરખ આપણે બન્યા કે સામે વાળો તેનો તાળો કાઢવો મુશ્કેલ બની જાય છે. બહુ વિચાર્યા પછી લાગી રહ્યુ છે કે સામે વાળા માટે સંબંધ “એક રમત” હોઇ શકે. કોઇ એક ચોક્કસ નિર્ણય પર આવવું ખુબ જ કઠીન છે. આ બધામાં જ્યા સુધી મારુ માનવું છે ત્યાં સુધી લાગે છે કે સૌથી મોટી ખામી જો કોઇનામાં હોય તો તે “પોતાના” માં છે. આપણે કાયમ સામેવાળાને આપણા જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ શકય નથી જ …. એના બદલે આપણે સામે વાળાને અનુકૂળ થવુ જ પડે છે , જે છે એ સ્વીકારીને ચાલવામાં આવે તો જ સંબંધોને જીવી શકાય છે. લીમડો કડવો કેમ હોય છે તે પ્રશ્નમા પડયા વગર તેની કડવાશને સ્વીકારીને તેનાં ગુણને પારખવા જોઇએ. એક જ વ્યક્તિ એક રૂપે બરાબર ન હોઇ એમ બને પણ બીજા રૂપે તે તમારી ચઢિયાતી હોય એ વાત ન ભૂલવી જોઇએ. કોઇ વ્યક્તિ સગા કે સંબંધી તરીકે બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય — કોઇ એક સ્વરુપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરુપે ઉમદા જ હોય છે. જરુર છે સાચી દ્ર્ષ્ટિ કેળવવાની. ગમે તેવા અભિપ્રાયો પકડીને રાખીને જીવવાને બદલે તટસ્થ બનીશુ તો સામેવાળા આપણને એટલા ખામીવાળા નહી લાગે.

જ્યા ફેરફાર શકય જ નથી ત્યા સ્વીકારીને જીવતા આવડી જશે ત્યારે આવા “જીવાતા સંબંધ”ને સ્થાન મળશે. ત્યારે જ …..

“મેરા મુજ મેં કુછ ભી નહીં,

જો કુછ હૈ, વો  તેરા હૈ ” ની ભાવના કેળવાશે. બાકી તો જે છે એ જ રહેવાનુ …. !